અન્ય

કાકડીમાં ફૂગ (ડાઉની માઈલ્ડ્યુ)

Pseudoperonospora cubensis

ફૂગ

ટૂંકમાં

  • પાંદડાની ઉપલી સપાટી પર પીળા ડાઘ અને નીચેની બાજુએ મખમલ જેવી આછા છીકણી રંગની ફૂગની વૃદ્ધિ.
  • યુવાન અંકુર, ફૂલો અથવા ફળોનું કદ નાનું રહેવું અથવા મૃત્યુ થવું.
  • રૂંધાયેલ વિકાસ.

માં પણ મળી શકે છે

5 પાક
કારેલા
કાકડી
તરબૂચ
કોળુ
વધુ

અન્ય

લક્ષણો

ચેપગ્રસ્ત પાકમાં ખાસ તફાવત ન દેખાતો હોવા છતાં, કાકડી પર આ ફૂગની અસર સામાન્ય રીતે પાંદડાની ઉપરની બાજુએ ખૂણા પરનાં પીળા ડાઘ તરીકે જોઈ શકાય છે, જે સામાન્ય રીતે મોટી નસોની આસપાસ જોવા મળતા નથી. આ આંતર ક્લોરોસિસ ધીમે ધીમે પીળાથી ભૂખરા રંગની મોઝેક પેટર્ન બનાવે છે, જેને ઘણીવાર વાયરસનો ચેપ માની લેવાની ગેરસમજ થઈ જાય છે. પાંદડાની નોચેની બાજુએ, આ ડાઘની નીચે પાણીથી ભરેલ ફોલ્લીઓ જોવા મળે છે, જે લાંબા સમય સુધી ઠંડા તાપમાન અને વધુ ભેજની હાજરીનાં કારણે, આછા ભૂખરા રંગનું મખમલ જેવું બને છે. જેમ જેમ ફૂગ છોડમાંથી પોષક તત્વો શોષી લે છે, તેમ યુવાન અંકુર, ફૂલો અથવા ફળોના નાનાં કદ જ રહે છે અને તેમના મૃત્યુનું કારણ બને છે, જે નબળી ઉપજ તરફ દોરી જાય છે. પાવડરી ફૂગથી વિપરીત, પાંદડાની નીચેના ભાગ પર સંપૂર્ણપણે આ ફૂગનું આવરણ દેખાય છે અને તેની વૃદ્ધિ મુખ્ય નસો દ્વારા મર્યાદિત હોય છે. તદુપરાંત, તેને સરળતાથી દૂર કરી શકાતી નથી.

ભલામણો

જૈવિક નિયંત્રણ

આ ફૂગના ઉપાય તરીકે વાણિજ્યિક જૈવિક સારવાર ઉપલબ્ધ છે. હળવા કિસ્સાઓમાં, ઘણીવાર કંઇ ન કરવું અને હવામાન સુધરે ત્યાં સુધી રાહ જોવી તે વધુ સારું રહે છે. કેટલાક કિસ્સાઓમાં, ચેપ લાગ્યા પહેલા વપરાતા ફૂગનાશકો છોડને ચેપ લાગતો અટકાવવામાં મદદ કરી શકે છે અને તેમાં કોપર આધારિત ફૂગનાશકો જેવા કે બોર્ડોક્સ મિશ્રણનો સમાવેશ થાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક ઉપચારનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. બચાવ માટે ફૂગનાશકનો ઉપયોગ છોડમાં રોગનાં ફેલાવાને રોકવા માટે થઈ શકે છે, પરંતુ તેને પાંદડાની નીચે યોગ્ય રીતે છાંટવા જરૂરી છે. મેન્કોઝેબ, ક્લોરોથાલોનીલ અથવા કોપર આધારિત તત્વો ધરાવતા ફૂગનાશકનો ઉપયોગ કરી શકાય છે. પ્રાથમિક લક્ષણોની હાજરી માલૂમ થયા બાદ તરત જ ચેપ લાગ્યા પછીની ફૂગનાશક દવાઓ છાંટવી આવશ્યક છે. સામાન્ય રીતે ચેપ લાગ્યા પછીના ફૂગનાશકોમાં મેફેનોક્સમ, સ્ટ્રોબિલ્યુરિન, ફ્લુઓપીકોલાઇડ, ફેમોક્સાડોન + સાયમોક્ઝાનિલ, સાયઝોફેમિડ અને ઝોક્સામાઇડ શામેલ છે. ફૂગમાં આમાંના કેટલાક ઉત્પાદનોનો પ્રતિકાર ઉદ્ભવેલ હોવાનું જોવા મળ્યો છે.

તે શાના કારણે થયું?

સ્યુડોપેરોનોસ્પોરા ક્યુબેન્સિસ નામનાં જૂથની પાણીવાળી ફૂગ દ્વારા આ રોગ થાય છે. તે એક પરોપજીવી છે, જેને જીવવા માટે સજીવ લીલા છોડની પેશીઓ જરૂરી છે. ખાસ કરીને ઢંકાયેલા ઠંડા, ભીના અને ભેજવાળા (ભારે ઝાકળ, ધુમ્મસ, વરસાદ) તથા ૧૫-૨૩ ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળા વિસ્તારમાં આ ફૂગ વિનાશક બને છે. ફૂગ ચેપગ્રસ્ત છોડના કચરા અથવા અંકુર કે વૈકલ્પિક યજમાનો (જેમ કે પાક અને નીંદણ) પર શિયાળો ગાળે છે અને અનુકૂળ પરિસ્થિતિઓમાં પવન, હવા પ્રવાહ અને વરસાદ દ્વારા છોડની તંદુરસ્ત છોડમાં ફેલાય છે. એકવાર ફૂગ સંવેદનશીલ છોડ પર પહોંચે પછી, તેના બીજકણ અંકુરિત થાય છે અને ફૂગ તેની રચનાઓ ઉત્પન્ન કરે છે, જે પાંદડાઓની નીચે કુદરતી છિદ્રો દ્વારા છોડની પેશીઓમાં પ્રવેશ કરે છે. ત્યાં તે ફેલાવાનું શરૂ કરે છે, આખરે આંતરિક પેશીઓમાં પણ તેની વૃદ્ધિ થાય છે અને બહાર ફૂગનું આવરણ જોવા મળે છે. ત્યાં બીજકણ ઉત્પન્ન થાય છે, જે રોગને વધુ ફેલાવે છે.


નિવારક પગલાં

  • ખાતરી કરો કે બીજ અને રોપા રોગમુક્ત હોય.
  • કાકડીના પાકને મોસમની શરૂઆતમાં વાવો.
  • બે છોડ વચ્ચે યોગ્ય અંતર રાખો.
  • ખેતરમાં પાકને સૂર્યની ઉર્જા મળી રહે તે રીતે યોગ્ય દિશા પસંદ કરી વાવણી કરો.
  • જો ઉપલબ્ધ હોય તો, પ્રતિરોધક જાતો પસંદ કરો.
  • તમારો પાક કોરો રહે, તેની ખાતરી રાખો, ઉદાહરણ તરીકે પાકની બે હરોળ વચ્ચે યોગ્ય અંતર રાખવાથી તેને હવા સારી મળે છે તેથી છોડ કોરા રહે છે.
  • સાંજે પિયત ન કરતાં સવારે પાણી આપો, જેથી દિવસ દરમિયાન સૂર્યના લીધે વધારાનું પાણી સુકાઈ શકે.
  • ખેતરમાંથી પાણી નીકાળવા માટે યોગ્ય આયોજન કરો અને ખેતર ભીનું હોય ત્યારે તેમાં કામ ન કરો.
  • વેલા જમીનને અડે નહી તેનું ધ્યાન રાખો અને જો અડતાં હોય તો ઊંચા બાંધી દો.
  • છોડની ફળદ્રુપતા જાળવી રાખવા યોગ્ય ખાતર આપો.
  • છોડના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે, તેને પૂરતા પોષક તત્વો મળી રહે તેનું ધ્યાન રાખો.
  • ખેતરમાં અને ખેતરની આસપાસ નીંદણને નિયંત્રણમાં રાખો.
  • ખેતરમાંથી છોડના અવશેષો દૂર કરો.
  • ખેતરમાં વપરાતા સાધનોને સ્વચ્છ રાખો.
  • ખાતરી કરો કે ખેતરમાં કામ કરતા કારીગરો એક ખેતરમાંથી બીજા ખેતરમાં જતા પહેલા તેમના હાથ ધોઈ લે.
  • ચેપગ્રસ્ત માટી અને છોડને એક ખેતરમાંથી બીજા ખેતરમાં લઈ જવાનું ટાળો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો